નિફ્ટી :   10326.90

સેન્સેક્સ :   33478.35

મિડકેપ :   16794.23

સ્મોલકેપ :   17813.07

ડોલર :   64.89

સ્ટાન્ડર્ડ સોનું :   29510.00

ચાંદી :   39290.00

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જથ્થાબંધ ભાવાંક છ મહિનાની ઊંચી સપાટીએ


મુંબઈ સમાચાર ટીમનવી દિલ્હી: કાંદા અને શાકભાજીની આગેવાની હેઠળ ઑક્ટોબર મહિનામાં ખાધ પદાર્થોના ભાવમાં તીવ્ર ઉછાળો જોવાયો તેને પગલે જથ્થાબંધ ભાવાંક છ મહિનાની ઊંચી ૩.૫૯ ટકાની સપાટીએ પહોંચ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ ભાવાંક ર.૬૦ ટકા રહ્યો હતો, જ્યારે ગયા વર્ષે (ર૦૧૬)માં ઑક્ટોબર મહિનામાં આ ભાવાંકની સપાટી ૧.ર૭ ટકા રહી હતી.

સપ્ટેમ્બર, ર૦૧૭ના ભાવાંકની સપાટી, છેલ્લા છ મહિનાની સર્વોચ્ચ ૩.૮૫ ટકાની હતી. સરકારે આજે જારી કરેલા આંકડાઓ એવો નિર્દેશ આપે છે કે ઑક્ટોબર મહિનામાં ખાધ પદાર્થોનો ફુગાવાનો દર બમણો થઈને ૪.૩૦ ટકા રહ્યો છે. શાકભાજીની કિંમતોમાં ઑક્ટોબર મહિનામાં ૩૬.૬૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જે સપ્ટેમ્બર મહિનામાં ૧૫.૪૮ ટકા જેટલી વધી હતી.

સપ્ટેમ્બરના ર.૭૨ ટકાની સરખામણીએ મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટસની કિંમતો મામૂલી ઘટીને ર.૬૨ ટકાના દરે વધી હતી. બળતણ અને ઊર્જાની કિંમતો ઑક્ટોબરમાં ૧૦.પર ટકા વધી હતી જે સપ્ટેમ્બરમાં ૯.૦૧ ટકાના દરે વૃદ્ધિ પામી હતી.

વૈશ્ર્વિક બજારોમાં ક્રૂડ તેલના ભાવ ઊંચકાયા હોવાથી બળતણનો ફુગાવો છેલ્લાં ત્રણ મહિનાથી ઊંચી સપાટીએ સ્થિર થયો છે. ઘરઆંગણે ઊર્જા ઉત્પાદનમાં થયેલા ઘટાડા સામે માગમાં અચાનક ઉછાળો નોંધાતા ઊર્જાના દરમાં પણ મક્કમ થતાં જોવા મળ્યા છે.

બીજી તરફ, અમુક ચીજોના ભાવ ઘટ્યા પણ છે. કઠોળના ભાવમાં ૩૧ ટકા જેટલો ઘટાડો થયો છે. ઘઉંના ભાવ બે ટકા અને બટેટાના ભાવમાં ૪૪.૨૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. ઑગસ્ટ મહિનાના જથ્થાબંધ ભાવાંકની ફાઈનલ

પ્રિન્ટ ૩.ર૪ ટકાના સ્તરે સ્થિર રહી છે. ગઈ કાલે જારી કરવામાં આવેલા ગ્રાહક ભાવાંકના આંકડા મુજબ, શાકભાજી સહિતના ખાદ્યપદાર્થો મોંઘા થતાં ઑક્ટોબર મહિનાનો ગ્રાહક ભાવાંક (સીપીઆઈ) વધીને સાત મહિનાની ઊંચી સપાટી ૩.પ૮ ટકાએ નોંધાયો હતો.

તે ઉપરાંત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના નબળા દેખાવ અને ગ્રાહકલક્ષી બનાવટોના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને પગલે સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન માત્ર ૩.૮ ટકાના દરે વિકસ્યું હતું. ગયા મહિને, આરબીઆઈએ તેની નીતિ સમીક્ષા બેઠકમાં રિઝર્વ બૅન્કે ચાવીરૂપ વ્યાજ દર સ્થિર રાખ્યા હતા. ફુગાવાના દરમાં જોવા મળેલી મક્કમતાને પગલે આરબીઆઈએ આ પગલું લીધું હતું. અને ચાલુ વર્ષે વિકાસ દર ઘટીને ૬.૭ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. વર્તમાન વર્ષના બાકીના સમયગાળા માટે રિઝર્વ બૅન્કે ફુગાવાના દરમાં પણ વધારો થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અગાઉના ૪-૪.પ ટકાની રેન્જ સામે ફુગાવાનો દર વર્ષના બાકીના સમયગાળામાં ૪.ર-૪.૬ ટકાની રેન્જમાં વધી શકે છે.

-----------------------------

ફુગાવો વધતાં આરબીઆઇ વ્યાજદર યથાવત્ જ રાખશેનવી દિલ્હી: ખાદ્ય ચીજો અને ઈંધણના ભાવમાં થયેલા વધારાને કારણે ગત ઓક્ટોબર મહિનામાં ફુગાવો વધીને સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાથી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા આગામી મહિનાની નાણાનીતિની સમીક્ષામાં વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

નોંધનીય બાબત એ છે કે ખાદ્ય ચીજોમાં ખાસ કરીને શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે ગત ઓક્ટોબર મહિનામાં રિટેલ ફુગાવો વધીને સાત મહિનાની ઊંચી ૩.૫૮ ટકાની સપાટીએ રહ્યો હતો. સામાન્યપણે વ્યાજદરમાં વધઘટ માટે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા ફુગાવાને ધ્યાનમાં લેતી હોય છે અને ગત જૂન મહિનાથી ફુગાવામાં સતત વધારો થઈ રહ્યો છે તેમ જ ઔદ્યોગિક ઉત્પાદનના આંકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આગામી નાણાનીતિની સમીક્ષામાં રિઝર્વ બૅન્ક રિટેલ ફુગાવા ઉપરાંત આ મહિનાના અંતે જાહેર થનારા જીડીપીના આંકડાને પણ ધ્યાનમાં લેશે. જોકે, પ્રવર્તમાન ઊંચા ફુગાવાને કારણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા આગામી ડિસેમ્બર મહિનાની નાણા નીતિની બેઠકમાં રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં કપાત કરે તેવી શક્યતા ન હોવાનું મોર્ગન સ્ટેન્લીએ એક રિસર્ચ નોટ્સમાં જણાવ્યું હતું.

તે જ પ્રમાણે જાપાનની ફાઈનાન્સિયલ ક્ષેત્રની અગ્રણી નોમુરાએ જણાવ્યું હતું કે એચઆરએ (હાઉસ રેન્ટ ઍલાઉન્સિસ) અને જીએસટીની વિપરીત અસરને ધ્યાનમાં લેતાં ફુગાવાનો દર નીચે આવે તેવી શક્યતા ન હોવાથી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા આગામી વર્ષ ૨૦૧૮ સુધી વ્યાજદર યથાવત્ રાખશે. વધુમાં તેમણે રિસર્ચ નોટ્સમાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ઊંચા ભાવને કારણે આગામી ત્રિમાસિકગાળામાં ફુગાવાનો દર ચાર ટકાની ઉપર રહે તેમ હોવાથી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા તેની ૬ ડિસેમ્બરની નાણાનીતિની બેઠક સહિત વર્ષ ૨૦૧૮ દરમિયાન વ્યાજદર જાળવી રાખશે.

જોકે, બૉફા એમએલ મેરિલ લિન્ચનું માનવું છે કે રિઝર્વ બૅન્ક આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં ઓક્ટોબરથી માર્ચ સુધીની ઔદ્યોગિક મોસમમાં ઉત્પાદનને વેગ આપવા માટે મોનેટરી પૉલિસી કમિટી ધિરાણ દરમાં ઘટાડો કરશે.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગત ૪ ઓક્ટોબરની નાણાનીતિની સમીક્ષામાં રિઝર્વ બૅન્કે ફુગાવો વધવાની શક્યતાને ધ્યાનમાં લેતાં બૅન્ચમાર્ક દર યથાવત્ રાખ્યા હતા. તેમ જ વર્તમાન નાણાકીય વર્ષ માટેના વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને ૬.૭ ટકા કર્યો હતો.

 

 
Copyright © Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com